Shree B.N. Highschool - Chandod
Shree B.N. High School - Chandod - Porohit Ridhi G

પુરોહિત રિધ્ધી જી.

વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી

યૌવનના ઉંબરામાં પ્રવેશતાં સામાન્ય રીતે દરેક વ્યક્તિ એક મીઠી મૂંઝવણમાં મુકાઇ જાય છે. જીવનમાં હું શું બનીશ ? એ પ્રશ્ન તેના અંતરને વલોવે છે. મહિનાઓની ગડમથલ પછી મેં મારે માટે આ ગંભીર પ્રશ્નો ઉત્તર શોધી લીધો છે. મારી વિનમ્ર મહેચ્છા એટલી જ છે.કે, ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી !’
કવિવર રવિન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, ‘Great is the world around and small the corner where my mind dewells’ (જગત તો ઘણું વિરાટ છે, પરંતુ મારુ મન એક નાનકડા વર્તુળમાં વસે છે.) હું પણ કંઇક આવો જ ભાવ અનુભવું છું, કુટુંબ પ્રાંત, પક્ષ, દેશ વગેરેના વાડામાં પુરાઇને આપને હાથે કરીને કૂવામાંના દેડકા જેવી દશા વહોરી લઇએ છીએ. આ મનોદશા ખરેખર રોગિષ્ટ છે. લોકમાન્ય ટિળકે જેવી મક્કમતાથી કહેલું કે ‘સ્વરાજ્ય એ મારો જન્મસિદ્ધ હક છે.’ જગતના વિશાળ પરિધમાંથી ખેંચીને આપણા અસ્તિત્વને નાનાં નાનાં કૂંડાળામાં પૂરી દે એવી બધી ભાવનાઓને આપણે ફગાવી દેવી જોઇએ.
વિશ્વમાનવ બનવું એટલે સંકુચિતતાને છોડીને વિશાળતામાં વિહરવું, બ્રહ્યાંડની વિરાટ વસાહતમાં પૃથ્વી નામના ઘરમાં વસતા માનવ સમુદાયરૂપી કુટુંબના એક સભ્ય તરીકે જીવવું. વિશ્વમાનવ બનવા માટે કોમી ભાવના અને સંકુચિત રાષ્ટ્રભાવનાને સ્થાને વિશ્વબંધુત્વની ભાવના ખીલવવી જોઇએ.
માત્ર ગણ્યાગાંઠ્યા મનુષ્યોમાં વિશ્વબંધુત્વની ભાવના વિકસેતો તેથા જગતની પરીસ્થિતિમાં બહુ મોટો ફરક પડી જવાનો નથી. પરંતુ જો જગતનો દરેક મનુષ્ય પોતાને વિશ્વનો જ નાગરિક સમજતો હોય, આખા જગત માટે ટોચનું એક જ શાસનતંત્ર હોય, મોટોભાઇ નાના ભાઇના વિકાસ પર અપાર એવું ધ્યાન જગતની વિકસિત પ્રજાઓ પછાત પ્રજાઓના વિકાસ પર આપતી હોય, તો પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવે. જગતમાં ચાલતાં સશસ્ત્ર અને ઠંડા યુદ્ધોનો વિશ્વબંધુત્વની એ વિશુદ્ધ ભાવનાથી કાયમી અંત આવી જાય. સર્વત્ર શાંતિ, એખલાસ અને સહકારનું મંગળ વાતાવરણ રચાય. આજે જુદાં જુદાં રાષ્ટ્રો વચ્ચે સંપનો અભાવ જોઇને શ્રી પ્રિયકાન્ત મણિયારની આ પંક્તિઓ યાદ આવે છે.
કો શબ્દના અક્ષરસમા
સૌ આપણે કેવા નિકટ !
- અર્થ કિંતુ એક ના એનો થતો !
જો દરેક વ્યક્તિમાં વિશ્વબંધુત્વની ભાવના વિકસેતો માનવજીવન માટે સાર્થકતાંના આધુનિક નવાં સીમા ચિહનો ઉઘડે. પ્રચાર અને પ્રસારના આધુનિક સાધનોના પ્રતાપે આજે આ ભાવનાનો સહેલાઇથી વિકાસ કરી શકાય એવા સંજોગો છે.
હું ઇશ્વરને પ્રાર્થું છું કે વિશ્વમાનવી બનવાની મારી મહેચ્છા માત્ર મારી જે આકાંક્ષા ન રહેતા પ્રત્યેક માનવ હૃદયમાં પ્રગટી ઊઠે.